લગભગ સો વર્ષ પહેલાં, બીજું તોરણ કે જે બેમાં વધારે અલંકારિક શિલ્પ ધરાવે છે તેને વડોદરા રાજ્યના મહારાજા સયાજી રાવના હુકમથી વડોદરા લઈ જવાના હેતુથી જુદા જુદા ભાગોમાં છૂટું કરીને નીચે ઉતારી લેવામાં આવ્યું હતું. વડનગરના લોકોએ આ જાતના પગલાનો સખત વિરોધ કરતાં, તેને નીચે ઉતારી લીધા પછી વડોદરા લઈ જવાનું પડતું મૂકાયું. પરંતુ, તોરણના છૂટા ભાગો તો જેમના તેમ પહેલા તોરણની નજીક નીચે જ મૂકી રાખવામાં આવ્યા. કાળક્રમે, તેમાંથી સ્તંભોની ચારે તરફ બેસાડેલી સુંદર શિલ્પકામવાળી કેટલીક મૂર્તિઓ ચોરાઇ ગઈ. સન ૨૦૦૭માં આર્કીઓલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા આ તોરણના નીચે પડેલા છૂટા ભાગોને ફરીથી મૂળ રચના પ્રમાણે ગોઠવીને તેની પુનઃરચના કરવામાં આવી. હવે, આ જાજરમાન તોરણ પ્રથમ તોરણની સંગાથે ઊભું રહીને ભવ્ય દૃષ્ય રચે છે.